આ પહેલા શનિવારે સવારે વડાપ્રધાન મનમોહન સિંહે એલાન કર્યું હતું કે સરકાર
ચોમાસું સત્રમાં લોકપાલ બિલ સંસદમાં રજૂ કરશે. ત્યારબાદ સરકારે આ વિશે
નોટિફિકેશન પણ જારી કરી દીધું અને આદેશની કોપી સ્વામી અગ્નિવેશને સોંપી.
તેમણે આ કોપી અણ્ણા હઝારેને સોંપી અને ત્યારબાદ અણ્ણાએ ઉપવાસ તોડ્યા.
આ પહેલા શુક્રવારે સમાજસેવી અણ્ણા હઝારેના આમરણાંત ઉપવાસ સામે સરકાર ઝૂકી
ગઇ. અણ્ણા અને સરકાર વચ્ચે સમજૂતી થઇ ગઇ. સરકારે અણ્ણાની તમામ માંગો માની
લીધી. રાજધાની દિલ્હીમાં જંતર-મંતર પર જનતા સાથેની વાતચીતમાં અણ્ણા
હઝારેએ કહ્યું કે આ આપના(જનતાના) સમર્થનની જીત છે.
શુક્રવારે સરકારે અણ્ણાની એ માંગને માની લીધી કે ડ્રાફ્ટ કમિટીમાં 2
અધ્યક્ષ રહેશે. અણ્ણાના સમર્થકોએ પોતાની પેનલની ઘોષણા કરી દીધી છે.
કમિટીના સહ-અધ્યક્ષ શાંતિ ભૂષણ રહેશે. ડ્રાફ્ટ કમિટીમાં બીજી અધ્યક્ષ
સરકાર તરફથી હશે. અરવિંદ કેજરીવાલ, અણ્ણા હઝારે, સંતોષ હેગડે અને પ્રશાંત
ભૂષણ મેમ્બર રહેશે. સરકાર પોતાની પેનલની જાહેરાત બાદમાં કરશે. આ કમિટીમાં
સરકારી અને બિનસરકારી સભ્યોની સંખ્યા એકસરખી રહેશે. સમિતિની બેઠક તુરંત જ
શરૂ થઇ જશે. સરકાર એ વાત પર પણ સહમત થઇ ગઈ હતી કે આ બિલ સંસદમાં ચોમાસું
સત્રમાં રજૂ કરવામાં આવે.