‘એઆવો લાભુદાદા! પાછું કેમ આવવું પડ્યું?’‘ભાઇ, શું કરું? આ શ્વાસ ઊપડ્યો છે પાછો...’ આટલું બોલતામાં તો પંચાશી વર્ષના લાભશંકરદાદા સામે પડેલા બાંકડા ઉપર ફસડાઇ પડ્યા. શ્વાસની ધમણ ટોપ ગીઅરમાં દોડવા લાગી. દાંત વગરનું બોખું મોઢું ઊઘાડું રહી ગયું. દાદા પ્રાણવાયુ ખેંચવા માટે ઝાંવા નાખી રહ્યા.- રામ તુમ્હારે યુગ કા રાવન અચ્છા થા દસ કે દસ ચેહરે સબ બાહર રખતા થા- કાન્તિલાલે પેન્ટના ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો. જમણા ખિસ્સામાં હાથ નાખ્યો. પછી શર્ટના ખિસ્સામાંથી એક હજાર રૂપિયાની નોટ બહાર કાઢી. પૂછવા લાગ્યા, ‘ડોક્ટર સાહેબ, હજારના છૂટા હશે તમારી પાસે?’ ‘છૂટા તો કદાચ નીકળી આવે, પણ ચાળીસ રૂપિયા લેવા માટે એક હજારના છૂટા...?’ ડો. રાબડિયા સમજી ગયા. લાભુદાદાને બ્રોંકિઅલ અસ્થમાનો તીવ્ર હુમલો આવ્યો હતો. એ એમના વર્ષો જૂના દર્દી હતા. એટલે એમના શરીરની તાસીરથી ડોક્ટર સુપેરે પરિચિત હતા. તરત જ એમણે કમ્પાઉન્ડરને સૂચના આપી. નાનાં શહેરોમાં ડોક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચે સમજણનો એવો અદભુત સેતુ રચાઇ ગયેલો હોય છે કે ભલભલી ગંભીર સ્થિતિના સમયે પણ ડોક્ટરને બોલવાની જરૂર ભાગ્યે જ પડતી હોય છે. સંકેતની ભાષા જ પૂરતી થઇ પડે છે.ડો. રાબડિયાએ બે આંગળીઓ દર્શાવી એટલે કમ્પાઉન્ડર તાબડતોબ બે ઇન્જેક્શનો ભરીને તૈયાર કરી દીધા. ડો. રાબડિયાએ લાભુદાદાના જમણા હાથની વેઇન શોધીને એક પછી એક બંને ઇન્જેક્શનો સીધા દાદાજીના લોહીમાં ભેળવી દીધા. પાંચ મિનિટમાં દાદાજી બેઠા થઇ ગયા. શ્વાસની ગતિ સામાન્ય બનતી ગઇ. છાતી અને ગળામાંથી અવાજ આવતો હતો તે શમી ગયો.લાભુદાદાની સાથે એમનો પંચાવન વર્ષનો દીકરો કાન્તિલાલ અને પચીસ વર્ષનો યુવાન પૌત્ર મિનેશ પણ આવ્યા હતા. એ બંનેએ તો દાદાનો એક એક હાથ ઝાલીને દવાખાના સુધી પહોંચતા કર્યા હતા.લાભુદાદાને સારું થયેલું જોઇને ડો. રાબડિયા પાછા પોતાની ખુરશીમાં ગોઠવાયા. ગોળીઓનું પ્રિસ્ક્રિપ્શન બનાવવામાં ડૂબી ગયા. ત્યાં જ કાન્તિલાલ બબડ્યા એના શબ્દો એમના કાને અથડાયા, ‘બાપાનો હવે જાતે ઊપડવાનો સમય થઇ ગયો છે, પણ હજી તો શ્વાસ જ એકલો ઉપડ્યા કરે છે.’ડો. રાબડિયા ચમક્યા. ઠપકાભરી નજરથી વચલી પેઢી સામે જોયું. પછી આછું એવું વઢ્યા પણ ખરા, ‘કેમ આવું બોલો છો, કાન્તિભાઇ?’‘ત્યારે શું બોલું, સાહેબ? બાપા સુખેથી જીવતા નથી ને અમનેય સુખપૂર્વક જીવવા દેતા નથી.’‘ત્યાં જ તમારી ભૂલ થાય છે, કાન્તિભાઇ. માવતરની સેવા કરવી એ તો આપણી ફરજ છે. આપણો ધર્મ છે. તમે બોલ્યા એ આપણા દેશની સંસ્કૃતિને શોભતું નથી. જયારે તમે નાનાં હશો ત્યારે તમારા બાપાએ પણ તમારી સારવાર કરાવી જ હશે ને?’ગામડાંમાં કે નાનાં શહેરમાં ડોક્ટર એના દર્દીને આવું કહી શકે. જો અમદાવાદ જેવા મોટા શહેરમાં ડોક્ટર આવું કહેવા જાય તો દર્દીના સગાં નારાજ થઇ જાય. શહેરોમાં હવે બધું પ્રોફેશનલ બની ગયું છે. ડોક્ટર એક પેઇડ સર્વન્ટ છે, દર્દી એક ગ્રાહક છે અને સારવાર એ પૈસો છે. આમાં ક્યાંય ‘ડોક્ટર-પેશન્ટ-રિલેશનશિપ’ જેવો શબ્દ આડે આવતો જ નથી. જયારે નાનાં ટાઉનમાં હજી જૂનો રિવાજ બચી શક્યો છે.એમાં પણ ડો. રાબડિયા તો માણસ ભૂખ્યા માણસ છે. દરેક દર્દીની સાથે એમને ઘરોબો છે. જેવી દર્દીની ઉંમર એવી એમની વાતો. નાનું બાળક આવે તો નિશાળની વાત કરે. મોટા ભાભા આવે તો ભજન-કીર્તનની વાત કાઢે અને જુવાન ખેડૂત આવે તો પૂછી લે, ‘ઓણ સાલ બાજરી કેટલા મણ પાકશે?’આને કારણે જ તો ડો.રાબડિયા જામનગરનાં ભાણવડમાં છેલ્લાં પાંત્રીસેક વર્ષથી આટલા બધા લોકપ્રિય છે.એમનો ઠપકો સાંભળીને કાન્તિલાલ છોભીલા પડી ગયા, ‘ના, સાહેબ, ના! હું એવું કે’વા નહોતો માગતો. આ તો બાપાની આવી હાલત મારાથી જોવાતી નથી એટલે આવું બોલાઇ ગયું. ઠીક છે. એ બધું ભૂલી જાવ. બોલો, કેટલી ફી આપવાની છે તમને?’ ડો.રાબડિયા જાણતા હતા કે કાન્તિભાઇ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ સંપન્ન હતા. પણ દર્દી ગમે તેટલો ધનવાન હોય, એની સાથે ડોક્ટરને શી લેવાદેવા? અલબત, દર્દી જો ગરીબ હોય તો એને ફી બાબતમાં રાહત આપી શકાય; પરતું ધનવાન દર્દી પાસેથી ખોબો ભરીને રૂપિયા ન માગી શકાય.ડો.રાબડિયાએ કહ્યું, ‘ચાળીસ રૂપિયા આપો.’કાન્તિલાલ સખળ-ડખળ થવા લાગ્યા. પેન્ટના ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો. જમણા ખિસ્સામાં હાથ નાખ્યો. પછી શર્ટના ખિસ્સામાંથી એક હજાર રૂપિયાની નોટ બહાર કાઢી. પૂછવા લાગ્યા, ‘ડોક્ટર સાહેબ, હજારના છૂટા હશે તમારી પાસે?’‘છૂટા તો કદાચ નીકળી આવે, પણ ચાળીસ રૂપિયા લેવા માટે એક હજારના છૂટા...?’ ડો.રાબડિયા કાન્તિભાઇની પેંતરાબાજી સમજી ગયા હતા. કોઇ માણસ દવાખાને જતી વખતે ખિસ્સામાં ફક્ત એક હજાર રૂપિયાની બાંધી નોટ લઇને જાય તેવું જવલ્લે જ બને! પચીસ-પચાસ કે સો રૂપિયા એની પાસે હોય જ. પણ થાય શું? કોઇના ખિસ્સા તો ફંફોસાય નહીં! બંને પક્ષો મુંઝાઇને ઊભા રહી ગયા.છેવટે લાભુદાદાએ વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો. ખમીસનાં ગજવામાંથી દસ-દસ રૂપિયાની ચાર નોટો કાઢીને ડોક્ટરના હાથમાં મૂકી દીધી, ‘લ્યો, સાહેબ! મારી અંગત બચતના પૈસા છે. બીડી-છીંકણી સારું રાખી મૂકેલા, એ તમને આપવા માટે...’કાન્તિલાલ તો એટલી વારમાં ક્લિનિકની બહાર ચાલ્યા ગયા હતા. ડો.રાબડિયા ઠપકો આપે તો પણ કોને આપે? એમણે દુ:ખી હૃદયે ચાળીસ રૂપિયા લઇને ખાનામાં મૂકી દીધા. લાભુદાદા પૌત્ર મિનેશના ખભાનો ટેકો લઇને ચાલી નીકળ્યા.એક દર્દી ગયા અને બીજા અંદર આવ્યા. એ મથુરભાઇ હતા. એ બેઠા બેઠા આ ખેલ જોઇ રહ્યા હતા. હસીને કહેવા લાગ્યા, ‘જોયું ને, સાહેબ! આનું નામ કળજુગ! આવા કપાતરને તો દીકરો કહેવો કે દીપડો? આ કાન્તિડો બધી જગ્યાએ આવું જ કરે છે. લાખો રૂપિયા કમાય છે તો પણ ઘરડાં મા-બાપ માટે ફૂટી કોડીયે ખર્ચતો નથી. જયાં પૈસા ચૂકવવાનો સમય આવે ત્યારે શર્ટના ખિસ્સામાંથી એક હજારની નોટ કાઢીને ઊભો રહી જાય છે. બાકી એના પેન્ટનાં ખિસ્સા તમે તપાસી જુઓ! જો છૂટી નોટો ભરેલું પાકિટ ન મળી આવે તો હું મૂછ મૂંડાવી નાખું.’‘આપણે કોણ એની તલાશી લેનારા, ભાઇ? તલાશી લેવાવાળો તો ઉપર બેઠો છે હજાર હાથવાળો. જો એને કંઇ ન પડી હોય તો પછી...’ ડો. રાબડિયાનું વાક્ય હજુ તો પૂરું થાય તે પહેલાં જ ક્લિનિકની બહાર રાડારાડ થતી સંભળાણી.કમ્પાઉન્ડરે માહિતી આપી, ‘ડોક્ટર સાહેબ, ભારે થઇ! લાભુદાદાને લઇને કાન્તિલાલ અને મિનેશ જઇ રહ્યા હતા, ત્યાં જ બાજુની શેરીમાંથી એક મોટો કૂતરો એમની પાછળ પડ્યો. કાન્તિલાલ તો ઠેકડો મારીને દુકાનના પાટિયાં માથે ચડી ગયા, પણ મિનેશ ઝડપાઇ ગયો. દાદાજીનું રક્ષણ કરવાના પ્રયાસમાં એ કૂતરાની આડો ઊભો રહી ગયો. ડાઘિયા કૂતરાએ એના પગની પીંડીમાં બચકું ભરી લીધું. માંડ માંડ કૂતરાને ભગાડ્યો. મિનેશને લઇને કાન્તિલાલ આપણે ત્યાં જ આવી રહ્યા છે...’બાપ-દીકરો આવી પહોંચ્યા. મિનેશની હાલત ખરેખર ખરાબ હતી. કૂતરાએ પીંડીમાંથી માંસનો લોચો તોડી ખાધો હતો. ઘાવમાંથી લોહીની નીક વહી રહી હતી.ડો.રાબડિયા જાણતા હતા કે ડોગ બાઇટવાળા કેસમાં ટાંકા ન લેવાના હોય, પણ અહીં લેવા જ પડે તેમ હતા. ઘા એટલો મોટો અને ઊંડો હતો, લોહી વહેવાની માત્રા પણ એટલી બધી વધુ હતી કે એને ખાળવા માટે ‘સ્ટિચ’ મારવો જ પડે તેમ હતું.બધું પતાવીને ટીટેનસનું અને હડકવાનુ ઇન્જેક્શન આપ્યા પછી એન્ટિબાયોટિક વગેરે દવાઓ આપીને પછી જ ડોક્ટરે રાહતનો શ્વાસ ખેંચ્યો. ત્યાં સુધીમાં લાભુદાદા પણ ચિંતા કરતા બાજુમાં આવી ગયા હતા.‘સાહેબ, કેટલી ફી આપવાની છે?’ કાન્તિલાલે પૂછ્યું.‘પૂરા એક હજાર રૂપિયા.’ ડો.રાબડિયાએ વાજબી ચાર્જ માગી લીધો. પછી લાભુદાદા તરફ જોયું. દાદાજી પ્રસન્નતાપૂર્વક માથું હલાવી રહ્યા હતા. કાન્તિલાલે પેન્ટના જમણા ખિસ્સામાં હાથ નાખ્યો. પછી ડાબા ખિસ્સામાં.ડો.રાબડિયાએ યાદ કરાવ્યું, ‘નહીં, કાન્તિભાઇ! નાહકની મહેનત કરવી રહેવા દો. શર્ટનું ખિસ્સું ઉપરની તરફ છે. એમાં હાથ નાખો. એક હજાર રૂપિયાની નોટ ત્યાંથી મળી આવશે.’કાન્તિલાલે દિવેલીયું ડાચું કરીને હજાર રૂપિયા કાઢી આપ્યા. લખપતિ આદમી ભિખારી જેવો ભાસવા લાગ્યો. ડોક્ટર મનોમન પૂછી રહ્યા: ‘કૂતરું કોને કરડી ગયું? મિનેશને કે કાન્તિલાલને?’
drshara...@yahoo.com