આનું નામ કાયદેસરના કાયદા
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

લાંચ લેવી એ ગુનો છે એવું જો તમે માનતા હો તો હવે તમે એ ભ્રમણામાંથી મુક્ત થઈ જાઓ. લાંચ લેવી એ ગુનો નથી પણ લાંચ માગવી એ ગુનો છે.
તમને સમજાયું નહિ? તો વિગતે વાંચો.
આંધ્ર પ્રદેશનો એક સરકારી કર્મચારી ૧૯૯૬માં ૫૦૦ રૂ.ની નિશાનીવાળી નોટો લેતા રંગે હાથ પકડાયો. લાંચરુશવત વિરોધી ખાતાએ છટકું ગોઠવ્યું. ખાસ પ્રકારનાં રસાયણો વડે નિશાની કરેલી ચલણી નોટો ફરિયાદીએ આ સરકારી કર્મચારીને આપી અને એ જ વખતે લાંચરુશવત ખાતાના અધિકારીઓએ એને ઝડપી લીધો. આ કેસ પૂરાં ૧૯ વરસ ચાલ્યો. (કલ્પના કરો, ૫૦૦ રૂ.ની લાંચનો કેસ ૧૯ વરસ ચાલે તો અબજો રૂપિયાના કૌભાંડ કરનારાના કેસ કેટલી પેઢી ચાલે? ત્રિરાશિ માંડતા આવડતી હોય તો માંડી જુઓ!) ૧૯ વરસ પછી સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ એચ. એલ. દત્તુના વડપણ હેઠળની બેંચે પંદર દિવસ પહેલાં એવો ચુકાદો આપ્યો છે કે લાંચરુશવત વિરોધી ખાતું, આરોપીએ લાંચ માગી હતી એવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયું છે. ચોક્કસ નિશાની કરેલી ચલણી નોટો કોઈ પાસેથી મળી આવે એનાથી લાંચનો ગુનો પુરવાર થતો નથી. ગુનો પુરવાર કરવા માટે આરોપીએ લાંચ માગી હતી એવું પુરવાર કરવું પ્રાથમિક જરૂરિયાત છે.
હિંદુસ્તાનનો આ કાયદો જોયા પછી હવે તાજેતરમાં જ પાકિસ્તાનમાં કાયદાના નામે જે ખેલ ખેલાયો છે એ પણ થોડોક તપાસી લઈએ. અબ્દુલ બસીત નામના એક હત્યારાને ૨૦૦૯માં ફાંસીની સજા આપવામાં આવી. ૨૦૧૫માં આ ફાંસીની સજાનો અમલ કરવાની ઘોષણા થઈ. જેલ સત્તાવાળાઓએ તૈયારીઓ આદરી ત્યારે ‘જસ્ટિસ પ્રોજેકટ પાકિસ્તાન’ નામની માનવ અધિકાર માટે કાર્ય કરતી એક એન.જી.ઓ.એ સુપ્રીમ કોર્ટમાં અરજ ગુજારી. પાકિસ્તાનમાં ફાંસીનો કાયદો એવો છે કે ગુનેગારને ફાંસી આપતી વખતે જમીન ઉપર ઊભો રાખવો જોઈએ અને પછી એની લંબાઈને આધારે દોરડાની લંબાઈ નક્કી થાય, એ જ માપ અનુસાર ગાળિયો બને અને પછી ઊભા રાખેલા આ ગુનેગારના ગળામાં ફાંસીનો ગાળિયો ભેરવીને એને લટકાવી દેવામાં આવે.
હવે બન્યું છે એવું કે ૨૦૧૦થી આ ગુનેગારને લકવો થયો છે. કમર નીચેનો ભાગ સાવ ખોટો થઈ ગયો છે એટલે એ ઊભો રહી શકતો જ નથી. અત્યારે એ જેલમાં પૈડાવાળી ખુરશી ઉપર બેસીને ફરે છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પેલા માનવ અધિકારવાળાઓની વાત સ્વીકારીને ફાંસીની સજા મુલતવી રાખી અને સરકારને આદેશ આપ્યો, જ્યાં સુધી એનો લકવો મટે નહિ, એ પોતાના પગ ઉપર ટટ્ટાર ઊભો રહે નહિ ત્યાં સુધી કાયદેસર ફાંસી આપી શકાય નહિ.
આ બંને ઘટનાઓમાં બંને દેશની સર્વોચ્ચ અદાલતો અને સર્વોચ્ચ ન્યાયાધીશો સંકળાયેલા છે. કાયદાને તેઓ જે રીતે સમજે છે એનાથી વધુ સારી રીતે સમજવાનો દાવો દેશનો કોઈ નાગરિક કરી શકે એમ નથી. અને છતાં જેનામાં બુદ્ધિનો છાંટો પણ હોય એવો માણસ આ કાયદાની હાંસી ઉડાવ્યા વિના રહેશે?
ન્યાય અને કાયદો આ બે શબ્દો આપણને બધાને ગમે છે. આપણે બધા વ્યક્તિગત રીતે ન્યાય અને કાયદાની પડખે જ છીએ એવો દાવો કરતા હોઈએ છીએ. આ ન્યાય અને કાયદો આપણી પડખે હોય ત્યાં સુધી આપણને ન્યાયી લાગે છે પણ જ્યારે એ સામા પક્ષે હોય ત્યારે ‘અન્યાય થયો છે.’ ‘કાયદાનું અર્થઘટન ખોટું થયું છે.’ વગેરે વગેરે સૂત્રો બોલતા હોઈએ છીએ. અદાલતમાં લડતા બંને પક્ષો, પોતે કાયદેસર છે અને ન્યાય માટે જ લડે છે એવું કહેતા હોય છે. ન્યાયાધીશો સત્ય શોધીને ન્યાય નથી આપતા પણ કાયદામાં લખેલા શબ્દો તથા કાયદેસરના સાક્ષીઓની શાબ્દિક છલનાઓ ઉપર વિશ્ર્વાસ રાખીને ચુકાદો આપે છે. આપણી પ્રાચીન ન્યાયિક પરંપરા પ્રમાણે દંડાધિકારી કે ધર્માધિકારી (કે ત્યાર પછી મુસ્લિમ શાસનમાં કાઝી) જે ચુકાદા આપતા એમને દોરવા માટે કોઈ વચેટિયાઓ નહોતા.
આજે ન્યાયની તરાજુને તોળવા માટે વાદી અને પ્રતિવાદી બંને, મિડલમેન એટલે કે વકીલને મેદાનમાં ઉતારે છે. આ વકીલને ન્યાય કે સત્યમાં રસ હોતો નથી. એને પોતાના અસીલને રાજી કરવામાં રસ હોય છે. આનું પરિણામ એ આવે છે કે મુદતો પર મુદતો પડયે જાય છે અને સાવ મામૂલી કેસો સુદ્ધાં દશકાઓ સુધી ચાલ્યા કરે છે - ફરિયાદી અને આરોપી મૃત્યુ પામે તો પણ!
કોઈપણ કાયદો નબળાના રક્ષણ માટે ઘડાતો હોય છે. સમાજમાં કોઈ બળૂકો જણ નબળાનું શોષણ ન કરે એ માટે શાસકીય માળખું તૈયાર કરવામાં આવે છે. વાસ્તવમાં આજે બન્યું છે એવું કે આ કાયદો નબળાનું રક્ષણ નથી કરતો પણ સબળાના હાથને વધુ બળવાન બનાવે છે. હવે સબળો કાયદેસર રીતે જ નબળાનું શોષણથી પોતાના અંગત હિતનું રક્ષણ કરી શકે છે. ૧૯૭૫માં અલાહાબાદ
હાઈ કોર્ટે તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો એટલે ઈંદિરાજીએ એ કાયદો જ સમૂળગો બદલી નાખ્યો અને એ બદલાયેલા કાયદાનો અમલ પાછલી તારીખથી કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. નવા ઘડાયેલા આ કાયદા હેઠળ ઈંદિરાજી નિર્દોષ છૂટ્યાં.
મહાભારતમાં પિતામહ ભીષ્મે એક એવા સતયુગની વાત કરી છે કે જ્યારે કોઈ કાયદા નહોતા, કોઈ શાસક પણ નહોતો. તમામ પ્રજા અત્યંત સહજતાથી શાંતિપૂર્વક રહેતી. કોઈ ક્યાંય કશુંય વિઘ્ન પેદા કરતું નહિ આવું કાંઈ થઈ શકે એવો કોઈ વિચાર સુદ્ધાં કોઈને આવતો નહિ. પ્લેટોએ પણ શાસન કે કાયદાવિહોણા રાજ્યની કલ્પના કરી છે અને એને અક્ષફભિવુ એવું નામ આપ્યું છે. ગુજરાતીમાં આપણે એને અરાજકતા કહીએ છીએ. આપણે અરાજકતાનો વહેવારિક અર્થ અંધાધૂંધી એવો કરીએ છીએ. કાયદા અને શાસન વિના અંધાધૂંધી જ ફેલાય એવો આપણો અનુભવ છે પણ પ્લેટો કહે છે - માણસજાત ધીમે ધીમે વૈચારિક ક્રાંતિ કરશે, સ્પર્ધા કે યુદ્ધથી કશું જ પ્રાપ્ત થતું નથી એ સમજશે અને સ્વયંશિસ્ત સ્વીકારીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કાયદા અને શાસકના માળખાંમાંથી મુક્ત થઈ જશે.
ઉપર ટાંકેલો ભારતની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જો દેશ આખો આનંદથી સ્વીકારી લે તો હવે પછી આ દેશમાં કોઈ લાંચિયો નહિ હોય એનો અર્થ એવો નથી કે લાંચ નહિ લઈ શકાય. લાંચ માગી હતી એવું પુરવાર કરવું એ પિતૃત્વ પુરવાર કરવા જેવું કઠિન કામ છે. દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું સપનું સાચું પડી રહ્યું છે એવું નથી લાગતું? પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે તો એકમાત્ર અબ્દુલ બસીતને જ ઉગાર્યો છે. આપણી સુપ્રીમ કોર્ટે તો આપણને સહુને ઉગારી લીધા છે.
--
“Reach boldly for the miracle. God knows your gifts, your hindrances, and the condition you're in at every moment.” - Bruce Wilkinson
NEVER use "TO" or "CC" box - Leave them blank.
ALWAYS put ALL names/addresses in "BCC" box.
Before forwarding a message : Delete my name & address and of others. Thanks.