GUJARATI SAHITYKARO

666 views
Skip to first unread message

RAKESH RATHOD

unread,
Feb 26, 2012, 10:34:08 AM2/26/12
to MARUGUJARAT

 

ગુજરાતી સાહિત્ય

જયંત હિંમતલાલ પાઠક (૨૦-૧૦-૧૯૨૦, ૧-૯-૨૦૦૩): કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાંથી ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયો સાથે વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિધ્ધિ’ વિષય પર પીએચડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ.ટી.બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ એવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ તથા ૧૯૯૦-’૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
તેમની સર્જકપ્રતિભાનો વિશેષ કવિતામાં છે. તેમની કાવ્યયાત્રામાં પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય વગેરે એમના સતત આરાધ્ય વિષયો રહ્યા છે. અને તેઓ પ્રારંભે ગીત, સોનેટ, મુક્તક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ અને અછાંદસ રચનાઓ ભણી પણ વળ્યા છે. વતનના સંસ્મરણોનું આલેખન કરતી સ્મૃતિકથા ‘વનાંચલ’ નોંધપાત્ર છે. સાથે એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે
 
હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી (૨૬-૫-૧૯૧૭, ૨૫-૩-૨૦૦૬): સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક. જન્મ ગોહિલવાડના મહુવામાં. ૧૯૩૪માં મહુવાની એમ. એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ. એ. ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્ય ‘પઉમચરિય’ પર મહાનિબંધ દ્વારા પીએચડી. ૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં સંશોધક–અધ્યાપક. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવન સાથે સંલગ્ન. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક. ૧૯૮૦માં ઈન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર. ૧૯૬૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ભાષાસાહિત્યની લાંબી પ્રણાલીનો પરિષ્કૃત રૂચિવારસો અને પશ્ચિમના ભાષાવિજ્ઞાન તેમ જ આધુનિક વિવેચનસંપ્રદાયોની અભિજ્ઞતા એમની ભાષા-વિચારણાને અને સાહિત્યવિચારણાને એક સમતુલ પરિપ્રેક્ષ્ય આપે છે. સાથે સાથે એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવટ, વ્યવસ્થિતતા અને શાસ્ત્રીયતા એમની વિદ્વતાને પ્રમાણિત કરે છે.
 
જગદીશ રામકૃષ્ણ જોશી (09-10-1932 મુંબઇ , 21-09-1978 )  , આચાર્ય

તેમની મુખ્ય રચનાઓ
કવિતા - આકાશ, વમળના વન, મોન્ટા કોલાજ ( મરણોત્તર પ્રકાશન ), ધારો કે એક સાંજ આપણે મળ્યા ( સમગ્ર કવિતા સંગ્રહ )
સહ સંપાદન – વાર્તાની પાંખો, વાર્તાની મોજ ( ભાગ 1,2,3 ), હું તો નિત્યપ્રવાસી, વાર્તા રે વાર્તા, સુલભ સહજીવન
અનુવાદ – મરાઠી કવિતા ગ્રેસ, સૂર્યઘટિકાયંત્ર ( મરણોત્તર પ્રકાશન )
હરીન્દ્ર જયંતીલાલ દવે (૧૯-૯-૧૯૩૦, ૨૯-૩-૧૯૯૫): કવિ, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક, અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે.
રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન, ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.
રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત ‘અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ‘આરણ્યક’, ‘ઉશનસ્’ (૨૮-૯-૧૯૨૦): કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી-ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨માં મ.સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭થી ૧૯૫૭ સુધી ગાર્ડા કોલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કોલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬માં યુરોપ-કેનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
પાંચમા દાયકાથી આરંભાયેલું ઉશનસનું કાવ્યસર્જન અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાથે ગાંધીયુગીન ચિંતન-ભાવનાની કવિતાના લક્ષણો તેમ જ એની ય પૂર્વની બ.ક.ઠાકોરની સમાસઘન પદાવલિવાળી સોનેટકવિતા પણ જોવા મળે છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃત્તિ, પ્રણય અને પ્રવાસ તેમના કાવ્યવિષયો છે. મનુષ્યચેતનાનાં ઊંડાણોમાં ઊતરી શકતી, પ્રબળ વેગવાળી સર્ગશક્તિને કારણે ઉશનસે ગુજરાતી ભાષાને ઉત્તમ કવિતા સંપડાવી છે. કવિ ઉપરાંત વિવેચક તરીકે ઉશનસનું નોંધપાત્ર પ્રદાન છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યવિચાર એમના વિવેચનોને આગવું બળ આપે છે. તેમની પાસેથી ચરિત્ર, નવલકથા, નાટક પણ મળે છે.
મનુભાઈ રાજારામ પંચોલી, ‘દર્શક’ (૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧): નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ.સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિય અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મેનેજિંગ ટ્રસ્ટી. ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક-અભ્યાસી. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ‘ઝેર તો પીધાં’ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
નવલકથા, નાટક અને નિબંધ જેવા સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કરનાર મૂર્ધન્ય સર્જક દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં મળે છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્ર’ એમની ઉત્તમ નવલકથાઓ છે. નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો બલિષ્ઠ રણકો એમની નવલકથાઓમાંથી ઉપસે છે. એમનું ભાષા – સામર્થ્ય અને રસાન્યિત શૈલી નવલકથાઓને આસ્વાદ્ય બનાવે છે. આ ઉપરાંત નાટક, ચરિત્ર, વિવેચન ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
અનંતરાય મણિશંકર રાવળ (૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮): વિવેચક, સંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મેટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૨થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. પછી ત્રણેક માસ મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. જામનગરની ડી.કે.વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામક પદેથી નિવૃત્ત. પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્યભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. વડોદરામાં ૧૯૮૦માં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમીનો એવોર્ડ.
વિવેચનમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું અને ઊંડું નિહાળતી વેધક દૃષ્ટિ, વિશાળ સમભાવ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ગુજરાતી સાહિત્ય: મધ્યકાલીન’ તેમનો મહત્ત્વનો વિવેચન ગ્રંથ છે. સંપાદક તરીકેની એમની કામગીરી પણ ઉલ્લેખનીય છે.
ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ’ (૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને પન્નાલાલ પટેલ સાથે અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઈન્ટર આર્ટસ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે ૧૯૩૮માં બી.એ. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ.
૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને ‘નિશીથ’ કાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન.
સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.
ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા’ (૬-૪-૧૯૦૧, ૨૨-૪-૨૦૦૧): કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મેટ્રિક. ૧૯૨૪માં મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસ-પ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે. ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.
નગીનદાસ નારણદાસ પારેખ, ‘ગ્રંથકીટ’ (૩૦-૮-૧૯૦૩, ૧૯-૧-૧૯૯૩): વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ તથા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠક પાસે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદાર પાસે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશનમંદિરમાં કામગીરી. પછી ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી હ.કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ત્યાંથી જ નિવૃત્ત. ૧૯૭૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
નગીનદાસ પારેખની વિપુલ સાહિત્યસેવાનું વિશ્લેષણ કરીએ તો તેઓ અનુવાદક, વિવેચક, ભારતીય કાવ્યશાસ્ત્રના ગ્રંથોના જાણકાર, ગાંધીવિચારના ચિંતક, ચરિત્રલેખક અને સંશોધક – સંપાદક રૂપે ઉપસી આવે છે. એમના જીવનમાં અને સાહિત્યઘડતરમાં એકબાજુ ગાંધીજી અને બીજી બાજુ રવીન્દ્રનાથનો પ્રભાવ પડ્યો. પરિણામે ગાંધીજીની લાઘવભરી સરળ શૈલી અને રવીન્દ્રનાથની સૌંદર્યદૃષ્ટિનું સંમિલન તેમની લેખનપ્રવૃત્તિમાં જોવા મળે છે.
હિંમતલાલ રામચન્દ્ર દવે, ‘સ્વામી આનંદ’ (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬): નિબંધકાર, કોશકાર, સામયિક સંપાદક. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમોમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર. ૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના ‘કેસરી’ પત્રના મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક ‘રાષ્ટ્રમત’ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ)માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’ના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઈન્ડિયા’માં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તે પછી થાણા (મુંબઈ), બોરડી (દ.ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૧૯૬૯ના વર્ષમાં અપાયેલો પુરસ્કાર સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન.
તેમની વિશિષ્ટ ચરિત્રકથાઓ અને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, અલગારીપણું, સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. વ્યાપક – જીવન અનુભવ અને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, તત્ત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, તળપદ શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘કોયા ભગત’, ‘સુન્દરમ્’ (૨૨-૩-૧૯૦૮, ૧૩-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરુચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરુચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદઆશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭થી ૐપુરીની નગરરચનામાં કાર્યરત.
ગાંધીયુગીન સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં આ સર્જકમાં પ્રગટ્યો છે. એક છેડે ગાંધીવિચારના સ્પર્શે નર્યા વાસ્તવનું આલેખન તો બીજી બાજુ અરવિંદવિચારના પ્રભાવે અધ્યાત્મનું આલેખન તેમની કવિતામાં છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરચેતનાને સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દૃષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન મહત્ત્વનું છે.
પ્રબોધ બેચરદાસ  પંડિત  ( 23-6-19 23 , 28-11-1975 )  અધ્યાપન, સંશોધન 
1955  - અમેરિકાની યેલ  યુનિવર્સિટીમાં સીનિયર ફેલો , 1973  -  મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા , સામાજિક ભાષા શાસ્ત્રના પ્રથમ અભ્યાસી અને સંશોધક, 1973  - રણજિતરામ ચંદ્રક 
તેમની મુખ્ય રચનાઓ
ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન 
ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો
વ્યાકરણ – અર્થ અને આકાર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧): નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં.
મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પુના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં . ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે –ગાંધીજી—તરફથી તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ મળેલું.
ડોલરરાય રંગીલદાસ માંકડ ( જન્મઃ જાન્યુઆરી – 23, 1902 ; જોડિયા, અવસાનઃ ઓગસ્ટ – 29 ;  1970)
ડોલરરાય એક પ્રખર વિવેચક, સંશોધક હતા, તેમનો વ્યવ્સાય અધ્યાપન હતો, તેઓ  1966-70 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા
ઇ.સ. 1946 - રણજિતરામ ચંદ્રક મળેલો.
તેમની મુખ્ય રચનાઓ
સંશોધન- અલંકારપ્રવેશિકા , The types of Sanskrit Drama , સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા, Date of Rigved, સાહિત્ય મીમાંસાના બે પ્રશ્નો, ગુજરાતીના કાવ્ય પ્રકારો
વિવેચન –  કાવ્યવિવેચન,  નૈવેદ્ય, ગુજરાતીનાં કાવ્યપ્રકારો
કાવ્ય- ભગવાનની લીલા
અનુવાદ- ભગવદજજુકીયમ(‘નૈવેદ્ય’માં), રુદ્રાધ્યાય, પ્રાચીન ભારતમાં શિક્ષણ ( અલ્તેકરના Education in Ancient India)
પ્રકીર્ણ- એકસૂત્રિત શિક્ષણ યોજના, ઋગ્વેદમાં વશિષ્ઠનું દર્શન, ગીતાનો બુદ્ધિયોગ
રાજેન્દ્ર કેશવલાલ શાહ, ‘રામ વૃંદાવની’ (૨૮-૧-૧૯૧૩): કવિ. જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. શાળા શિક્ષણ દરમ્યાન અંબુભાઈ પુરાણીની વ્યાયામપ્રવૃત્તિમાં અને ૧૯૩૦માં અસહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મેટ્રિક. ૧૯૩૪માં વડોદરા કૉલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસૂફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી ૧૯૪૨ સુધી જ્યોતિસંઘમાં કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં મોદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં ‘લિપિની પ્રિન્ટરી’ નામના પ્રેસનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ. ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’, ૧૯૯૯માં મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન, તેમ જ નરસિંહ મહેતા ગૌરવ પુરસ્કાર. ૨૦૦૧માં ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત.
અનુગાંધી યુગના સ્તંભ સમા પ્રતિભાશાળી કવિ છે. એમનો કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. એમની કવિતામાં પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક – કલ્પનોનો વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ – અલંકારલય – પ્રાસાદિનું સૂઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પોત એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. પ્રણય, પ્રકૃતિ, જીવનચિંતન અને આદ્યાત્મભાવ એમની કવુતાના મુખ્ય વિષયો છે. એમની સમગ્ર કવિતાનો પ્રધાન સૂર જીવનમાંગલ્યનો છે.
વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી, ‘પ્રેરિત’ (૪-૭-૧૮૯૯, ૧૦-૧૧-૧૯૯૧): વિવેચક. જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. એ જ વર્ષે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯નો નર્મદચંદ્રક. ૧૯૬૨માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરી અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગ તથા ૧૯૪૯માં જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૬૧માં કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના અધિવેશનના અધ્યક્ષ. ૧૯૭૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી. ૧૯૭૪માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ.
એમણે ગ્રંથસમીક્ષાનું કામ વર્ષો સુધી એકધારું કર્યું છે. કેટલીક ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક અભિગમ પણ જોવા મળે છે. આ ઉપરાંત એમણે સાહિત્યસિદ્ધાંતોની ફેરતપાસ નિમિત્તે સાહિત્ય તત્ત્વચર્ચા કરી છે. એમની કવિતાકળા વિષયક વિચારણામાં કવિ, કાવ્ય અને ભાવકના પરસ્પર સંબંધની ચર્ચા છે. ઊંડી સૂઝ, માર્મિકતા, સૌંદર્યસૃષ્ટિ, અભિજાત રૂચિ અને નિરૂપણની તાજપ એમની વિશેષતાઓ છે.
રસિકલાલ છોટાલાલ પરીખ ( જન્મઃ  20 – સપ્ટેમ્બર , 1897 – અવસાનઃ 1 – નવેમ્બર , 1982 )
રસિકલાલનુ ઉપનામ મૂસિકાર હતુ.  1954 – મુંબઇ યુનિવર્સિટી ખાતે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન , 1963 - ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી ખાતે ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી વ્યાખ્યાન ,તંત્રી : પુરાતત્વ 
તેમને 1942 –  રણજિતરામ ચંદ્રક  ત્થા સાહિત્ય અકાદમી, દિલ્હી એવોર્ડ ‘શર્વિલક’ માટે મળેલો
તેમની મુખ્ય રચનાઓ
વિવેચન -  પુરોવચન અને વિવેચન, સરસ્વતીચંદ્રનો મહિમા : એની પાત્રસૃષ્ટિમાં;  સાહિત્ય મીમાંસા : આનંદમીમાંસા
ઇતિહાસ સંશોધન : ગુજરાતની રાજધાનીઓ, ઇતિહાસ : પધ્ધતિ અને સ્વરૂપ
નાટક -  રૂપિયાનું ઝાડ, શર્વિલક, મેનાગુર્જરી
સંપાદન  – વૈદિક પાઠાવલી, તત્વોપપ્લવસિંહ, નૃત્યરત્નકોશ, કાવ્યાદર્શ – કાવ્યાપ્રકાશસંકેત, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ 1,2
અનુવાદ – કાવ્યપ્રકાશ, પહેલો કલોલ
સુખલાલજી સંઘવી (જન્મઃ ફેબ્રુઆરી 8, 1880, લીમડી – અવસાનઃ માર્ચ 2, 1978 )
નાની વયે (17 વર્ષે) અંધત્વનો ભોગ બન્યાં છતાં વિદ્યાભ્યાસ જારી રાખ્યો , આજીવન વિદ્યા ઉપાસક, ચિંતન અને મનન. તેમને જાણીતા વિદ્યાધામ કાશી તથા દરભંગામાં સાહિત્ય તથા વ્યાકરણનો અભ્યાસ. ઉપરાંત ન્યાયશાસ્ત્રમાં પારંગત થયા.
તેમનુ ઉપનામ પંડિત, પ્રજ્ઞાચક્ષુ હતુ.
સન્માનઃ માનાર્હ ડી. લિટ. પદવીઓ : 1957- ગુજરાત યુનિવર્સિટી , 1967-સરદાર પટેલ યુનિવર્સિટી , 1959-  સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી દર્શન તથા ચિંતન માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 1961- ભારત સરકાર તરફથી વિદ્વત્તા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન  1973- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 
મુખ્ય રચનાઓ     
 આત્મકથા - મારું જીવનવૃત્ત,   જીવનચરિત્ર - ચાર તીર્થંકર, વિવેચન - તત્ત્વાર્થસૂત્ર, ભારતીય તત્ત્વવિદ્યા, આધ્યાત્મવિચારણા, યોગદર્શન વિ. , સંપાદન - પ્રમાણમીમાંસા, વાદમહાર્ણવ – ભાગ 1 થી 6 વિ.

હિમાંશી શેલત ( ૮-જાન્યુઆરી, ૧૯૪૭ ; સુરત )

“ગુજરાત મિત્ર”માં “નારીસંસાર” વિભાગના સ્તંભલેખક, વિદ્યાધર નાયપાલની નવલકથા પર પી.એચ.ડી. , પત્રલેખન હોય કે વાર્તાસર્જન હોય, ધારદાર નિખાલસતા અને વસ્તુલક્ષી પ્રામાણિકતાપૂર્વક પેશ આવે, એકાંતમાં લખવું વધારે ગમે, નવનીત’માં પહેલી વાર્તા છપાઈ ત્યારે હર્ષની લાગણી થયેલી.

સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – અંતરાલ, ક્ળાત્મક સંયમ અને સાદગીના સૌંદર્યથી એમની નવલિકાઓ ભવિષ્યમાં શું શું સિધ્ધ નહિ કરે? તેમને ગાયન અને લલિતકળા શોખ પણ ખરો.  તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ધૂમકેતુ પારિતોષિક નુ સન્માન પણ મળેલુ.

તેમની મુખ્ય રચનાઓ

  • વાર્તા -  અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકાં, એ લોકો, પ્લેટફોર્મ નંબર ચાર, વિક્ટર 
વીનેશ અંતાણી ( જૂન 27, 1946; દુર્ગાપુર તા. માંડવી, જિ. કચ્છ  )
1970- 75  -  તેઅઓ ભુજની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા અને 1975 થી – આકાશવાણીમાં કાર્યક્રમ નિયોજક,  ઇ.સ. 2000 મા તેમને સાહિત્ય એકેડેમીનો એવોર્ડ પણ મળેલો.
 
તેમની મુખ્ય રચનાઓ
નવલકથાકાફલો, અનુરવ, પલાશવન, નગરવાસી, સૂરજની પાર દરિયો, એકાંતદ્વીપ વગેરે
વાર્તા – કોરો સારંગ, હોલારવ, તરસના કૂવાનું પ્રતિબિંબ વગેરે

વર્ષા અડાલજા ( જન્મઃ એપ્રિલ - 10, 1940; મુંબાઇ, મૂળ વતન જામનગર)
અગિયાર વર્ષની ઉમ્મરે ‘જાગતા રે’જો’  કોમેડી નાટકની નાયિકા તરીકે લટકાં મટકાં સાથે અભિનય કરી દાદ  મેળવી!. પિતાની ‘રંગમંચ’ સંસ્થામાં નાની ઉમ્મરે વૃધ્ધાનો ભાગ સફળતાથી ભજવ્યો. મોટા થયા બાદ કાકાની શશી , મૃચ્છકટિક, ઝેર તો પીધાં જાણી જાણી, પૂર્ણિમા જેવાં લબ્ધ પ્રતિષ્ઠ લેખકોના નાટકોમાં મુખ્ય નાયિકાના ભાગ ભજવ્યા. પૂર્ણિમામાં કરુણ, પરાધીન નાચનારીની અદા જોઇ પિતા ગુ. આ. બેભાન થઇ ગયા અને તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો.   ‘અગ્રેજી નાટકો Dolls’ House ,  Glass Managerie માં પણ મૂખ્ય પાત્રના ભાગ ભજવ્યા પ્રવીણ જોશી જોડે ‘કૌમાર અસંભવમ્ ‘ માં પણ કામ કર્યું . પત્રકારત્વ પણ કર્યું. સખા જેવા પિતાના અવસાનથી ઘેરો આઘાત જે વનભર રહ્યો. રેડીયો પર એનાઉન્સર તરીકે, વાર્તાલાપ આપવાનાં . ટી .વી. ઉપર ‘જ્યોતિ’ સિરિયલમાં પિતાના જીવન પર આધારિત ‘ કોરી કિતાબ’ એપીસોડની પટકથા લખી  હતી. પિતાના લખેલા નાટક ‘અલ્લાબેલી’ માં અભિનય. થોડોક વખત ‘સુધા’ અને ‘ફેમીના’ નું સંપાદન પણ કર્યું. ‘મુંબાઇ સમાચાર’ માં બ્યુટી કોલમ આપતાં હતાં. ‘દીદીની ડાયરી’ – બહુ જ લોક્પ્રિય કટારનાં લેખિકા.
પહેલી પ્રકાશિત કૃતિ – ‘ શ્રાવણ તારાં સરવડાં’ , તેમની શ્રેષ્ઠ કૃતિ ‘ હરિ મને આપો ને એકાદી એંધાણી’ – જેની છપાયેલી પુસ્તિકાના બળથી વડોદરા નજીકની રક્તપિત્તના દરદીઓ માટેની ‘શ્રમમંદિર’ સંસ્થાને દસ લાખ જેટલી રકમનાં દાન મળ્યાં . પરિશ્રમને પ્રાધાન્ય આપતાં સર્જક.  ’મારે પણ એક ઘર હોય’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘અણસાર’ કૃતિઓથી કીર્તિ મળી . બંદીવાન નવલકથાનું નાટ્ય રૂપાંતર ‘ આ  છે કારાગર’ તરીke કર્યું -  તેને ‘Theatre of  cruelty’    નું બિરુદ મળ્યું !  
સન્માનઃ ગુજરાત સાહિત્ય પરિષદ નો પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, સોવિયેટ લેન્ડ પુરસ્કાર
તેમની મુખ્ય રચનાઓ     -   25 પુસ્તકો
નવલકથાઓ – ગાંઠ છૂટ્યાની વેળા, શ્રાવણ તારાં સરવડાં, બંદીવાન, આતશ( વિયેટનામના યુધ્ધત્રસ્તોના અનુભવો આધારિત)
લઘુનવલ - મારે પણ એક ઘર હોય, રેતપંખી, ખરી પડેલો ટહૂકો, તિમિરના પડછાયા, એક પળની પરબ
રહસ્યકથા – પગલાં, પાંચ ને એક પાંચ, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછાં ફરતાં, નીલિમા મૃત્યુ પામી છે  
વાર્તાસંગ્રહ – સાંજને ઉંબર, એ
નિબંધ – વાંસનો સૂર
અન્ય લઘુનવલો, રહસ્યકથાઓ, વાર્તાઓ વગેરે
પ્રિયકાંત મણિયાર(જન્મઃ 24-જાન્યુઆરી, 1927 ;  અમરેલી, અવસાનઃ 25- જૂન, 1976)
પ્રથમ કાવ્ય અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે   ગદ્યકાવ્ય રૂપે લખીને ‘કુમાર’માં મોકલ્યું. જેનાથી ગુજરાતને તેમનો પરિચય થયો. 1947  -    ’એકરાર’ પ્રથમ પ્રગટ કાવ્ય, ઉમાશંકરે કહ્યું છે : “પ્રિયકાંતની કવિતાઓ સંઘેડા-ઉતાર ચૂડીઓ જેવી,કલાની નજાકત ભરેલી છે.” 1982 – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર
તેમની રચના
કવિતા -   પ્રતીક  પ્રથમ કાવ્યસંગ્રહ , અશબ્દ રાત્રિ , સ્પર્શ (ગીતોનો સંગ્રહ), સમીપ, પ્રબલ ગતિ ( અમેરિકાના પ્રવાસની અનુભૂતિનાં કાવ્યો)
મરણોત્તર પ્રકાશિત સંગ્રહો   – વ્યોમ લિપિ (આધુનિક માનવની સંકુલ સંવેદનાનું નિરૂપણ),  લીલેરો ઢાળ (ગીતોનો સંગ્રહ)
રમણલાલ જેઠાલાલ જોશી(જન્મઃ 22 – મે  1926 ; હીરપુરા ( જિ. મહેસાણા)  , અવસાનઃ 10- સપ્ટેમ્બર,  2006; અમદાવાદ), વતન – વડનગર , જિ. મહેસાણા
26 જ વર્ષની ઉમ્મરે પી.એચ.ડી. -  ઉમાશંકર જોશીના માર્ગદર્શન નીચે,  1984-85 – નેશનલ લેક્ચરર, 1986-88 -   યુ.જી.સી તરફથી પ્રોફેસર એમેરિટસ, ગુજરાત યુનિ. માં કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સીલના ડિરેક્ટર, ગુજરાત સાહિત્ય અકાદમી,  ગુજરાતી સાહિત્ય પરિષદ વિશ્વગુર્જરી સંસ્થાઓમાં વિવિધ પદે સેવાઓ,  1989  – મુંબઇ યુનિવર્સિટી ખાતે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા, 1990 ઓગસ્ટ – નિવૃત્તિ બાદ ‘સંસ્કૃતિ’ નો વિકલ્પ થાય તેવું ‘ઉદ્દેશ’ નામનું માસિક શરુ કર્યું અને જીવનના અંત સુધી ચલાવ્યું.
1976 થી શરુ કરેલ ‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીનું સતત સંપાદન, સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પ્રકાશિત ‘ એન્સાયક્લોપેડીયા  ઓફ ઇન્ડીયન લીટરેચર’ ના ગુજરાતી ભાષાના કન્વીનર, સર્જાતા સાહિત્યના સતત સમ્પર્કમાં રહેનાર અને અભિપ્રાય વ્યક્ત કરનાર વ્યક્તિ, પી.એચ.ડી.ના વિષય તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીના સાહિત્ય થી શરુ કરેલી યાત્રા જીવનભર ચાલી. અનેક પુસ્તકો, નિબંધો આ અંગે તેમણે લખ્યા, 1953 થી 2003 સુધી -  પૂર્ણ સમયના વિવેચક
તેમની મુખ્ય રચનાઓ
વિવેચન – ગોવર્ધનરામ – એક અધ્યયન, અભીપ્સા,  પરિમાણ, સમાંતર, વિનિયોગ, ગ્રંથનો પંથ, ભારતીય નવલકથા, ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહી, નિષ્પતિ, વિવેચનની આબોહવા
ચરિત્રો/  સંપાદન – સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃતાંત અને કવિજીવન, કાવ્યસંચય (જયન્ત પાઠક સાથે), જ્યોતિરેખા, ગુજરાતી ગ્રંથકાર શ્રેણી – 45 ગ્રંથો , ગોવર્ધન પ્રતિભા, શબ્દલોકના આરાધકો (100 જેટલા સાક્ષરોનો પરિચય)
સંશોધન – અખેગીતા, સુંદરમ્ ની પ્રતિનિધિ વાર્તાઓ અને કાવ્યો ,  કાવ્ય – સંચય, જ્યોતિ-રેખા,
રેખાચિત્ર -  શબ્દલોકના યાત્રીઓ 1,2
નિબંધ – આદિવચન
રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ-વતન અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો સાથે શાળાહીન તાલીમનો પ્રયોગ. ૨૦૦૫-૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા એવોર્ડ.
તેમણે છાંદસ – અચાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે. પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. તેમની આજ સુધીની કાવ્યયાત્રા ‘ગઝલસંહિતા’ના પાંચ ભાગમાં ગ્રંથસ્થ થઈ છે.
રતિલાલ મૂળચંદદાસ રૂપાવાલા(1919)
આમ તો સુરતના એક સામાન્ય ક્ષત્રિય વણાટિયા કુટુંબમાં જન્મેલા અને કૌટુંબિક કારણોસર માત્ર બીજા ધોરણ સુધી જ અભ્યાસ કરી શકેલા આ માણસને તેના ભાવિ જીવનનો કશો ખ્યાલ નહીં પણ અદમ્ય એવી આંતર્પ્રેરણાથી આસપાસના જગતમાં શું બને છે એ પ્રત્યે ઉત્સુક અને એ દેશનો સ્વરાજયુગ એટલે રોજનાં બાર કલાકનાં કામ સાથે સ્વરાજનાં રાજકારણ પ્રત્યે સજાગ આ માણસ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં છ માસનો જેલવાસ ભોગવ્યો. ત્યાં ગુજરાતભરનાં ગજાના કહેવાય એવાં રવિશંકર મહારાજ, ગણેશ વાસુદેવ માવળંકર જેવાઓના નિકટ સહવાસમાં તેઓ રહ્યા. જેલમાંથી છૂટીને અનિલ મહાગુજરાત ગઝલમંડળનાં મંત્રીપદે જોડાયા. ગઝલકાર થયા પછી પ્યારાબાપુ, બહાર પ્રજ્ઞા અને કંકાવટી જેવા માસિકોના સંપાદક તરીકે અને ગુજરાત સમાચાર, ગુજરાતમિત્ર, ગુજરાત કેસરી તથા લોકવાણીનાં તંત્રી વિભાગમાં પત્રકાર તરીકે કામ કરી પત્રકારત્વનો એવોડૅ તેમણે પ્રાપ્ત કયો છે. ૨૫ વષૅથી કંકાવટી નામનું સાહિત્ય માસિક પ્રગટ કરે છે તથા સંપાદન કરે છે. નિવૃત છતાં લેખન પ્રવૃત્તિ કરતાં રહ્યા છે. તેઓ કોલમિસ્ટ તરીકે મરક મરક, મસ્તીની પળોમાં, ચાંદરણા જેવી વિશિષ્ટ કોલમ તેઓ વષોથી લખે છે. ચાંદરણા એ ગુજરાતી સાહિત્યમાં તેમનું મૌલિક અને અનન્ય સજૅન છે. ‘હાસ્ય લહરી’ નામનો હાસ્ય નિબંધ સંગ્રહ, ‘ડમરો અને તુલસી’ તથા ‘રસ્તો’ ગઝલસંગ્રહ, ‘મસ્તીની પળોમાં’ મુકતક સંગ્રહ અને ‘ચાંદરણા’ પુસ્તકો પ્રગટ થયા છે.
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ (૧૧-૧૦-૧૯૩૨): કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. મિત્રો સાથે મળીને ૧૯૯૪માં ‘ઈમેજ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી. ૧૯૬૭થી ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
સતત લખતા રહેતા આ કવિની કવિતાઓ લોકપ્રિય બની છે. એમની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ગીતો અને ઊર્મિકાવ્યનો ફાલ માતબર, વિપુલ અને વિવિધતાવાળો છે. સંપાદનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્ત્વનું છે. સાહિત્યના પ્રસાર, પ્રચાર, પ્રકાશન માટે પણ તેમના અવિરત પ્રયત્નો ચાલુ છે.
ધીરુબેન ગોરધનભાઈ પટેલ (૨૯-૫-૧૯૨૬): નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પ્રકાશન’નું સંચાલન. ૧૯૬૩-૧૯૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૨૦૦૩માં પરિષદપ્રમુખ.
ધીરુબેન પટેલ નોંધપાત્ર નવલકથાકાર – વાર્તાકાર છે. એમની પાસેથી ‘વડવાનલ’ જેવી દળદાર તો ‘આંધળી ગલી’, ‘વાંસનો અંકુર’ જેવી લઘુનવલો મળે છે. નવલકથામાં વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને તાગે છે. તેમની વાર્તાઓમાં પણ પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનના ઊંડાણોને તાગવાની મથામણ વિશેષતા બની આવે છે. આ ઉપરાંત હાસ્યસાહિત્ય, નાટકો, રેડિયોનાટકો, બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમની આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું.
નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬): કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં.૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઈટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મેટ્રિક. ૧૯૪૪-૧૯૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તથા સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચન્દ્રક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૯૭ દરમ્યાન પરિષદ-પ્રમુખ, હાલ ટ્રસ્ટી.
અનુગાંધીયુગના અગ્રણી કવિ છે. રવીન્દ્ર કાવ્યસંસ્કારને ઝીલતી લયસમૃદ્ધિ અને કાવ્યગુરુ બ.ક.ઠાકોરની વિચારપ્રધાન કવિતાનો પ્રતિઘોષ તેમની કવિતાની વિશેષતા છે. બોદલેર, રિલ્કે, ટી.એસ.એલિયટ જેવા કવિઓની યુરોપીય ચેતનાના સંપર્કથી કલ્પન અને પ્રતીકલક્ષી કવિતાનો તેમણે પોતાનાં કાવ્યસર્જન અને કાવ્યવિવેચન દ્વારા પુરસ્કાર કર્યો છે. ‘પ્રવાલદ્વીપ’નાં નગરકાવ્યોમાં આધુનિક ભાવબોધનું અપૂર્વ નિરૂપણ થયું છે. સાહિત્યના બહુશ્રુત અભ્યાસી વિદ્વાન તેમ જ ઉત્તમ વક્તા તરીકે તેઓ જાણીતા છે. એમણે આજીવન કરેલાં બહુમૂલ્ય વક્તવ્યો અને સ્વાધ્યાયો ‘સ્વાધ્યાયલોક’ ગ્રંથશ્રેણીમાં સંગ્રહીત છે. વિરામો સાથે ચાલતી એમની કાવ્યસર્જનયાત્રા આજે પણ અટકી નથી.
જયંત સુખલાલ કોઠારી (૨૮-૧-૧૯૩૦): વિવેચક, સંપાદક. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮માં મેટ્રિક. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ. અને ૧૯૫૯માં એમ.એ. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટીક્સનો ડિપ્લોમા. ૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન, સાથે સાથે રાજકોટમાં રેલવે ક્લેઈમ્સ એજન્ટ. ૧૯૫૯-૬૨માં અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ૧૯૬૨થી આજ સુધી ગુજરાત લૉ સોસાયટીની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્ય કોશ’ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન.
સ્પષ્ટવક્તા વિવેચક તેમ જ ખંતીલા – તંતીલા સંશોધક–સંપાદક તરીકે જાણીતા છે. તેમણે પ્રત્યક્ષ કૃતિવિવેચનથી માંડીને સિદ્ધાંતવિવેચન દ્વારા એક જાગ્રત પ્રહરીની ભૂમિકા ભજવી છે. એમનું વિવેચનકાર્ય મુખ્યત્વે તો વિવેચનપ્રવાહોને અને વિવેચનગ્રંથોને તપાસવાનું એટલે કે વિવેચનનું વિવેચન કરવાનું રહ્યું છે. પ્રત્યેકમાં તેમની ઊંડી નિસબત, નિજી શૈલી અને નખશિખ સજ્જનતાની છાપ અંકિત થયેલી છે. આ ઉપરાંત સાહિત્યવિવેચનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની તર્કશુદ્ધ, ચોકસાઈભરી અને વિશદ છણાવટ તેઓ કરે છે. મધ્યકાલીન સાહિત્ય હોય કે આધુનિક સાહિત્ય – વિદ્યાર્થીને પણ સરળતાથી સમજાય તેવી ભાષાને કારણે વિવેચનલેખો રસાળ બને છે.
રમેશ મોહનલાલ પારેખ (૨૭-૧૧-૧૯૪૦, ૧૭-૫-૨૦૦૬): કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મેટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોશીએ ‘કૃતિ’ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.
ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસવરૂપોને ખેડ્યાં છે. થોડાંક સોનેટ પણ લખ્યાં છે.
ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગીતો તેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે.
ભોળાભાઈ શંકરભાઈ પટેલ (૭-૮-૧૯૩૪): નિબંધકાર, વિવેચક, સામયિક સંપાદક, અનુવાદક. જન્મ વતન સોજા(જિ.મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં પુન: એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજી-ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં હિંદીમાં ‘અજ્ઞેય: એક અધ્યયન’ વિષય પર પી.એચ.ડી. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૬૯થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના વ્યાખ્યાતા અને ૧૯૮૦થી રીડર. પછીથી હિંદી વિભાગના અધ્યક્ષ. ૧૯૯૪માં નિવૃત્ત. ૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો. ૨૫ વર્ષો સુધી ‘પરબ’ના તંત્રી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી.
પ્રવાસનિબંધોના લલિત નિરૂપણમાં એમણે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળના સંવેદનોએ અંગત સંવેદનાઓની અર્થચ્છાયાઓ સુપેરે ઝીલી છે. અંગ્રેજી, જર્મન, હિંદી, મરાઠી, બંગાળી, ઓડિયા, અસમિયા વગેરે ભાષાસાહિત્યનો એમનો અભ્યાસ એમના વિવેચનને તુલનામૂલક તેમ જ આસ્વાદ્ય બનાવે છે. આસ્વાદલક્ષી વિવેચન એમનો વિશેષ છે.
લાભશંકર જાદવજી ઠાકર (૧૪-૧-૧૯૩૫): કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પાટડી. જન્મ સેડલામાં. ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૫૭માં બી.એ., ૧૯૫૯માં એમ.એ., ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સનો ડિપ્લોમા. સાતેક વર્ષ અમદાવાદની કોલેજોમાં અધ્યાપક અને હવે પોતાના ક્લિનિકમાં આયુર્વેદીય ચિકિત્સક. ‘આકંઠ સાબરમતી’ નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ. ‘કૃતિ’, ઉન્મૂલન’ જેવાં સામયિકોનું પ્રકાશન. ૧૯૬૨નો કુમારચન્દ્રક. નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચન્દ્રક, જે પરત કરેલો તે પછીથી ૧૯૯૪માં સ્વીકાર્યો. ૨૦૦૨નો સાહિત્યગૌરવ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મળ્યો.
લાભશંકર ઠાકર આધુનિક સર્જક છે. લાભશંકર ઠાકરની કવિતા આરંભમાં પરંપરાનું અનુસંધાન જાળવે છે પણ તેમની ‘તડકો’ રચનાથી ભાષા સંદર્ભે એક નવપ્રસ્થાન થાય છે. શબ્દની અનર્થકતા, અસ્તિત્વની વ્યથા અને વીરતિની અભિવ્યક્તિ અનેક કાવ્યોમાં તેઓ વિડમ્બનાના સ્તરે કરે છે. તેમણે ‘એબ્સર્ડ’ શૈલીના એકાંકી – નાટકો રચ્યા છે તેમાં ભાષાનો શબ્દ અપૂરતો લાગતા આંગિક અભિનય અને અન્ય અવાજોની મદદથી નાટ્ય અર્થે ઉપસાવવાનો પ્રયત્ન ગુજરાતી નાટકના વિકાસમાં મહત્ત્વનું સ્થિત્યંતર છે. નિર્ભ્રાન્ત થયેલા મનુષ્યની વાત કહેતી તેમની નવલકથા ‘કોણ’ અને તેનો ઉત્તરાર્ધ તેમ જ રસળતી કલમે લખાયેલા સંવેદનકેન્દ્રી કે વિચારલક્ષી નિબંધોમાં ગદ્યની તાજપ ધ્યાન ખેંચે છે.
જોસેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનુ એક એવું નામ , જેને દલિત સાહિત્યના “દાદા”નું ઉપનામ સ્વભાવિક રીતે સાંપડ્યું છે. તેમની આંગળીયાત, વ્યથાના વીતક.મારી ભિલ્લુ, માણસ હોવાની યંત્રના અને જનમજલા જેવી કૃતિઓને અઢળક ઇનામ-ઇકરામ મળ્યા છે.
તેમની સર્જન પ્રક્રિયા કોઈ વાતાવરણની મોહતાજ ન હતી. જ્યાં બેઠા હોઈ ત્યાં તેઓ વાર્તા ખોળી કાઢતા.એકવાર બીલીમોરાના બસ સ્ટેન્ડ પર બેઠા બેઠા એક વાર્તા તેમણે ખોળી કાઢી અને લખી પણ નાખી. જોસેફભાઈના સાહિત્યમાં ડોકિયા કરતી દલિત સમાજની વ્યથામાંથી ટપકતી તેમના ઉદ્ધાર માટેની મહેચ્છા સમગ્ર ગુજરાતને સ્પર્શી ગઈ છે. પણ માત્ર દલિત સમાજ પ્રત્યેની જ સભાનતા તેમના વ્યક્તિત્વનું પાસું ન હતા. હિંદુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો તેમનો અભ્યાસ પણ ઊંડો હતો.
દલિત સાહિત્યના આવા દાદા અને જિન્દા દિલ ઇન્સાન જોસેફભાઈ આંગળીયાત , વહાલના વલખા, મારી પરણેતર, મારી ભિલ્લુ , જનમજલા જેવી અનેક અમર કૃતિઓ ગુજરાતી સાહિત્યને આપતા ગયા છે. એ કૃતિઓ તેમને ગુજરાતના સાહિત્ય જગતમાં અને વાચકોમાં હંમેશા જીવંત રાખશે.
ભગવતીકુમાર હરગોવિંદ શર્મા (૩૧-૫-૧૯૩૪): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર-સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર’ દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચન્દ્રક. ૧૯૮૪નો રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૮૭નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે. નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ દેખાય છે. આ પૈકી ‘સમયદ્વીપ’માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ અને મનોસંઘર્ષ કેન્દ્રમાં છે. ‘ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે.
સિતાંશુ યશશ્ચંદ્ર (૧૯૪૧) સમર્થ કવિ, નાટયકાર અને સમીક્ષક છે. સને ૨૦૦૯માં એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘વખાર’ આર.આર. દ્વારા પ્રગટ થયો છે. સંગ્રહ સાથે કાવ્યપઠનની સીડી પણ પ્રગટ થઇ છે. સિતાંશુ પોતે કવિતાપાઠ કરતા હોય ત્યારે છેલ્લા શ્રોતા સુધી એમનો શબ્દ પહોંચતો હોય છે. સ્વર-વ્યંજનનું લયાત્મક ઉચ્ચારણ નવ કવિઓ એમની પાસેથી શીખી શકે.
અગાઉ પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહો ‘ઓડિસ્યુસનું હલેસું’ (૧૯૭૪) અને ‘જટાયુ’ (૧૯૮૬) વીસમી સદીની છેલ્લી પચીસીની ઉપલબ્ધિ ગણાયા છે. દીઘર્ કાવ્યોમાં વ્યાપ સાથે સૂક્ષ્મતાથી જીવનની આંટી-ઘૂંટીને જોવાની સિતાંશુની ક્ષમતા અનન્ય છે. નવા ઉન્મેશ દાખવે છે.
‘વખાર’નાં કાવ્યોને કવિએ સાત ઘટકોમાં વહેંચ્યાં છે. જે કંઇ જીવનવિરોધી ગરબડ ચાલી રહી છે એની સામે કવિનો અવાજ અહીં બે રીતે સંભળાય છે. ઠંડે કલેજે કરેલા શાંત ઉપહાસ દ્વારા કે (૨) ઉગ્ર આક્રોશ રૂપે. કવિ જાણે કે રણભેરી જગવે છે. ઘણા સહૃદયોને કંઠસ્થ થઇ ગયેલી ‘સિંહવાહિની સ્તોત્ર’ની આ પંકિતઓ જુઓ-સાંભળો.
મયૂર પરથી ઊતર,
શારદા, સિંહ ઉપર ચઢ.
દેવ તે જ દાનવ છે જો, તો તું આગે બઢ.
સહૃદય ભાવકને જગવવો છે આજના અન્યાયી, ખંડિત શિક્ષણ વિરુદ્ધ, એ માટે કવિ આધાર શોધે છે શતપથ બ્રાહ્મણની એક કથાનો. અંગિરસ ઋષિએ દેવો-દાનવો સમેત સહુને યજ્ઞભાગ આપ્યો, માત્ર સરસ્વતીને નહીં. સરસ્વતીએ સિંહ ઉપર બેસીને દેવો અને દાનવોને પરાજય આપ્યો.
આ સંદર્ભ સાથે વાંચતાં કવિતા વધુ આસ્વાદ બનશે. સિતાંશુ જણતલ કવિ છે – ‘સ્કોલર પોએટ’ છે, કવિઓના કવિ છે, ભલે એ કેટલાક કવિઓને અઘરા લાગે. જોકે ‘લડત’ અને ‘તાપણું’ જેવી સરલ અને સાધંત જીવંત રચનાઓ અહીં ઘણી છે.
ફરી પેટાવો તાપણું,પોષની આ રીતને
એમ પડકાર્યા વિના નથી જીવતા દેવી.
(પૃ.૧૨ લડત, વખાર)
પોષની રાતને પડકારતું સામાન્ય મનુષ્યનું તાપણું પ્રતીક છે કે રૂપક છે એની ગડભાંજમાં પડ્યા વિના તાપણાની શક્યતા અને ક્ષમતા માણી શકાય છે.
વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ
વાગી ઊઠશે કુમકે આવતા
સૂરજનારાયણના ઘોડાના ડાબલા,
દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે
ફાગણની હોળીના હૂંફાળા ભડકા,
મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે
ઊના ઊના ભોજનની છાતી ભરીને સોડમ.(પૃ.૧૫)
આખું વરસ, જીવન સમગ્રના ભાવ-અભાવ અંકિત કરતાં કવિ ‘ઊના ઊના ભોજનની છાતી ભરીને સોડમ’ ભાવકના શ્વાસ સુધી લઇ આવે છે. કવિના શબ્દની આ તાકાત છે. નરસિંહની મશાલને કવિ ખભાની ઉપર સહજપણ સળગી ઊઠતા હાથરૂપે જુએ છે :
માથા કરતાંય મથોડું ઊચો ઊઠતો
નાચતા નરસૈંયાનો અણનમ હાથ.
પણ પોષની આ રાત
ને નથી જીવતા દેવી આજ…
સિંતાંશુની સંપ્રજ્ઞ સર્જન-પ્રક્રિયા ગુજરાતી કવિતાને અને નરસિંહ – અખા-ન્હાનાલાલ, ઉમાશંકર-રાજેન્દ્ર શાહ -નિરંજનની કાવ્યભાષાને કેવી રીતે સતેજ કરે છે એ વિવેચનનો વિષય છે. પણ ‘સપાટબયાની’ કહેવાતી સાદીસીધી ઉકિતઓ પણ અહીં માર્મિક બની છે.
અવતરણની જેમ યાદ રહી જાય એવી નીવડી છે. ‘અગનદેવ’ને સંબોધીને રચાયેલું દીર્ઘકાવ્ય ‘નામુકર’ અને મહાભારતના મૌસલપર્વનો આધાર લઇ યાદવવંશના સંહાર પછી મુસળનો ટેકો લઇને ઊભેલા મહાબાહુ મધુસૂદનની ધ્રુવપંકિત સાથે ‘સપાટબયાની’ લાગતી દીઘર્ રચના ત્રણેય કાળને એક કરીને આજના ભાવકને ચેતવે છે.
બીજા ખંડની રચનાઓ દાંપત્યના તાણાવાણાને ઝંકત કરે છે. અદ્વૈતનો ભાવ ‘એક વિનંતી’ કાવ્યમાં ગીતની ભાવાન્વિતિ સાથે વ્યકત થયો છે.
મને થોડા મહિના સંતાઇ રહેવા દે
તારા શરીરમાં
કોઇ પૂછે તો તું સુમધુર સ્મિત કરજે.
(પૃ.૪૬)
કવિ અહીં નારીની કાયાને આવકારભરી અને અનુલ્લંઘનીય કહી માતૃત્વની સિદ્ધિને સ્મિતરૂપે નિર્દેશે છે.
આ વિભંગની એક અન્ય રચના પૂર્વે અન્ય ભાષાઓમાં અનુવાદ પામેલી. ‘પત્નીને’ સંબોધીને રચાયેલી ત્રણ કૃતિઓ જીવન સંધિનું તાજગીભર્યું ચિત્ર નગણ્ય લાગતી ક્રિયાઓના નિરૂપણથી પ્રત્યક્ષ થયું છે.
સોય-દોરો લે, મારું ખમીસ સાંધવાનું છે.
બારી પાસે નેતરની ખુરશીમાં બેસ,
તારા અરીઠે ધોયેલા વાળમાં
સવારનો તડકો પડે, એમ.
આંખો બીડી તને જોઇ શકું, એ રીતે બેસ.
(પૃ.૩૩)
પાંચમા ખંડમાં સર્જકો વિશે કાવ્યો છે. એમાં પણ કવિ સામાજિક હેતુ વણી લે છે. બોલકા બન્યા વિના. ‘લાભશંકર ઠાકરની કવિતા’નો આરંભ એ છે :
ચઢેલા શરીરને જેમ દાકતર અડકે,
એમ તું અમારા મનને અડક કવિ.
કાવ્યનો અંત છે :
બેભાન અને મરણાસન્ન છીએ,
અમને ભાનમાં લાવ.
અને જિવાડ કવિ.(પૃ.૮૪)
માણસે પોતે ઊભા કરેલા પ્રશ્નોથી એ મરણોન્મુખ બન્યો છે. સિતાંશુ અને લા.ઠા.ની જેમ પ્રત્યેક સંનિષ્ઠ સર્જકનું કામ માનવ-ચેતનાને સંકોરવાનું છે.‘
કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/કુન્દનિકા મકરંદ દવે, ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭): વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
નવલિકા, નવલકથા તેમ જ નિબંધસર્જનમાં આ લેખિકા ભાવનાવાદી અભિગમ ધરાવે છે. માનવજીવનના શ્યામ-ધવલ પાસાંઓનું નિરૂપણ એમની વાર્તાઓમાં થતું રહ્યું છે. તેમના નિબંધો પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંવાદ-વિસંવાદની આસપાસના વિષયોને આલેખે છે. ‘પરોઢ થતાં પહેલાં’ પહેલી નવલકથાથી ધ્યાન ખેંચનાર લેખિકાની સૌથી વધુ ચર્ચાયેલી નવલકથા છે, ‘સાત પગલા આકાશમાં’. પોતાની નિજી-આગવી ઓળખ માટે નારીએ કરવો પડતો સંઘર્ષ, એમાંથી જન્મતી વિદ્રોહની લાગણી અને અંતે સ્ત્રી-પુરુષ સમાન ભૂમિકાએ હોય એવા નવા વિશ્વની શોધ – એવા વિશાળ ફલક પર નવલકથા આકારાયેલી છે.
સુરેશ હરિપ્રસાદ જોશી (૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. ૧૯૪૫માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી.જે. સિંઘ કોલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧થી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં મળેલા સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના દ્વારા અસ્વીકૃતિ. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ’ વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન.
સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગના પુરસ્કર્તા છે. કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, લલિત ગદ્ય, વિવેચન અને સાહિત્યિક પત્રકારત્વ જેવાં સઘળાં ક્ષેત્રોમાં નવા પ્રસ્થાનો આરંભનાર સુરેશ જોશીના સાહિત્યવિચારમાં રૂપનિર્મિતિ એક અતિ મહત્ત્વપૂર્ણ લક્ષ્ય છે. તેમણે વિવિધ સાહિત્યિક સામયિકો દ્વારા આધુનિકતાની વિભાવનાની સ્થાપના અને મીમાંસા કરી છે. રવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના સંસ્પર્શથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ કરતા એમના લલિતનિબંધો, ઘટનાને ઓગાળી નાખી, કપોળકલ્પિતને પ્રયોજતી એમની ટૂંકી વાર્તાઓ, અરૂઢ રચનારીતિ ધરાવતી નવલકથાઓ, અછાંદસની દિશા ખોલતી એમની કવિતાઓ, આધુનિકતાવાદી વલણો પરત્વે અભિમુખ બનાવતું એમનું તત્ત્વદર્શી વિવેચન – આ બધાં યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો આદર્શ તાગવા પ્રયત્ન કર્યો અને ઉત્તમ સાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડ્યો.
રાજેન્દ્ર કેશવલાલ શાહ, ‘રામ વૃંદાવની’ (૨૮-૧-૧૯૧૩): કવિ. જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. શાળા શિક્ષણ દરમ્યાન અંબુભાઈ પુરાણીની વ્યાયામપ્રવૃત્તિમાં અને ૧૯૩૦માં અસહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મેટ્રિક. ૧૯૩૪માં વડોદરા કૉલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસૂફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી ૧૯૪૨ સુધી જ્યોતિસંઘમાં કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં મોદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં ‘લિપિની પ્રિન્ટરી’ નામના પ્રેસનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ. ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’, ૧૯૯૯માં મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન, તેમ જ નરસિંહ મહેતા ગૌરવ પુરસ્કાર. ૨૦૦૧માં ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત.
અનુગાંધી યુગના સ્તંભ સમા પ્રતિભાશાળી કવિ છે. એમનો કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. એમની કવિતામાં પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક – કલ્પનોનો વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ – અલંકારલય – પ્રાસાદિનું સૂઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પોત એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. પ્રણય, પ્રકૃતિ, જીવનચિંતન અને આદ્યાત્મભાવ એમની કવુતાના મુખ્ય વિષયો છે. એમની સમગ્ર કવિતાનો પ્રધાન સૂર જીવનમાંગલ્યનો છે
રામનારાયણ પાઠક:‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’ (જન્મ ૮-૪-૧૮૮૭), (અવસાન ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી.
રામનારાયણ પાઠકનું આખું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતું., તેમનો જન્મ ગણોલ,ધોળકા તાલુકો,અમદાવાદ જિલ્લો,ગુજરાત રાજ્ય,ભારત દેશમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતાજી શિક્ષક હતા.તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. તેમનો જીવ વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.

બહુમાન

પ્રાજ્ઞ વિદ્યાપુરુષ રામનારાયણ પાઠકની સાહિત્ય ક્ષેત્રે તેમના મૂલ્યવાન યોગદાન બદલ તેમને અનેક સન્માન, પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.
  • નર્મદ સુવર્ણચંદ્રક
  • મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક
  • હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક
આ ઉપરાંત ગાંધીયુગ તેમ જ સાક્ષરયુગના સાક્ષી એવા શ્રી પાઠકજી ગાંધીયુગના સાહિત્યગુરુ તરીકે વિશાળ શિષ્યવર્ગનો અપાર પ્રેમ અને આદર પામ્યા.

અવસાન

૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ના દિને ગુજરાતના આ પનોતા પુત્ર એવા પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.
મહાદેવભાઇ દેસાઇ (૧લી જાન્યુઆરી ૧૮૯૨ – ૧૫મી ઓગસ્ટ ૧૯૪૨)સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ લેખક હતા.તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.
Reply all
Reply to author
Forward
0 new messages