Aaha Jindagi - બુદ્ધિ હોય તો બધું થાય

92 views
Skip to first unread message

Vijaykumar Dave

unread,
Jun 23, 2009, 6:42:31 PM6/23/09
to Guj...@googlegroups.com

બુદ્ધિ હોય તો બધું થાય

   
Kana Bantva
Wednesday, June 24, 2009 03:11 [IST]  

 

Businessબુદ્ધિ કોઇના બાપની નથી હોતી. ઉરચ કક્ષાનું શિક્ષણ મળે તો જ માણસનો બેડો પાર થાય? અપૂરતું શિક્ષણ મેળવનાર હંમેશાં નિષ્ફળ જ જાય? મોરનાં ઇંડાં ચિતરવાં પડે? ન પડે. બંને બાજુના ઢગલાબંધ દાખલા આપી શકાય. અકબરથી માંડીને ધીરુભાઇ અંબાણી સુધીના લોકોની વાતો એવું સાબિત કરી શકે કે અપૂરતું શિક્ષણ મળ્યું હોય તો પણ માણસ પોતાની મૌલિકતા, આગવી સૂઝ, સમજ અને અનુભવના આધારે સફળ થઇ શકે.

સામે, સારું શિક્ષણ મેળવી સફળ થનારા કૂડીબંધ નામ આપણી જીભે ચડી આવે. પણ, બેઝિક પ્રશ્ન એ છે કે કૂવામાં ન હોય તો હવાડામાં આવે ખરું? કાચને ગમે તેટલો ઘસો તો પણ હીરો બને ખરો? વરુના બરચાંને ગમે તેટલી કેવળણી આપો તો પણ તે ધેટું બને ખરું? અથવા શાણું શિયાળ બને ખરું? તમે સ્કૂલમાં ભણતા હતા તે દિવસો યાદ કરો.

તમારી સાથે તમારા કલાસમાં બીજાં ૨૫-૩૦ બાળકો ભણતાં હશે. તે બધાં તમારા જેવી જ નોકરી કે ધંધો કરે છે? તમારા જેટલું જ કમાય છે? તમારા જેટલી જ સામાજિક પ્રતિષ્ઠા અને મોભો ધરાવે છે? કેટલાક તમારાથી ચડિયાતા હશે અને કેટલાક ઊતરતા હશે. શા માટે આવું બન્યું? બધાને એકસરખું શિક્ષણ મળ્યું હતું. તેમાંના ઘણાનું સામાજિક અને પારિવારિક બેકગ્રાઉન્ડ પણ તમને મળતું આવતું હશે, તે સમયે છતાં આવું શા માટે થયું? પ્રશ્નનો જવાબ એક જ છે - બુદ્ધિ કોઇના બાપની નથી.

માત્ર શિક્ષણ મેળવવાથી, કેળવણીથી જ બુદ્ધિ વિકસી હોત તો કોઇ રાજા કરતાં તેનો પુત્ર નબળો સાબિત ન થાત. પણ, અવળચંડા ઇતિહાસમાં ઊંધું જ બન્યું છે. અકબર અભણ હતો. છતાં એ અકબર ધી ગ્રેટ કહેવાયો. વાર્તા અહીં પૂરી નથી થતી, અહીંથી શરૂ થાય છે. અભણ અકબરે પુત્ર નુરુદ્દિન સલીમ, જેને આપણે મુગલ-એ-આઝમને કારણે શાહજાદા સલીમ તરીકે ઓળખીએ છીએ અને ઇતિહાસકારો જેને બાદશાહ જહાંગીર કહે છે તેના શિક્ષણમાં કોઇ કચાશ રહેવા દીધી હશે?

માત્ર ચાર વર્ષની વયથી સલીમને અબ્દુલ રહીમ ખાનખાના સહિતના ટોચના શિક્ષકો પાસે શિક્ષણ અપાવાયું હતું. પણ એ અકબર જેટલો મહાન ન થઇ શકયો. જે પ્રકારનું શિક્ષણ અને વાતાવરણ મળ્યાં તે પ્રમાણે તો તે વધુ સફળ થવો જોઇતો હતો. જહાંગીરે ન્યાયી બાદશાહ તરીકે જેટલું નામ કાઢયું હતું એટલું જ નામ તેના હરમમાં બેગમોની સંખ્યા બદલ પણ કાઢયું હતું.

અનારકલીની વાત તો કદાચ સાચી નહીં હોય પણ, જહાંગીરના હરમમાં આઠસોથી વધુ બેગમો હતી. કેમ આવું થયું? અને કેમ આવું થતું રહે છે? પાંડવો અને કૌરવો સાથે ભણ્યા છતાં કેમ તદ્દન અલગ બન્યા? ૧૦૫ કુરુઓમાંના તમામ એકબીજાથી અલગ પ્રકારની ક્ષમતા અને નબળાઇ ધરાવતા કેમ બન્યા? નકુલને પણ ગુરુ દ્રોણે તીરંદાજી શીખવી અને અર્જુનને પણ તેમણે જ ધનુર્વિધા શીખવી. છતાં, કેમ નકુલ તલવારબાજીમાં પારંગત થયો?

સહદેવ કેમ જયોતિષ વિધામાં માહેર બન્યો? અને, પેલો ભીલકુમાર એકલવ્ય ગુરુ દ્રોણને દૂરથી જ ધનુર્વિધા શીખવતા જોઇને આટલું બધું શીખી ગયો? કòષ્ણનાં સંતાનો કેમ યાદવાસ્થળી કરવા જેટલી મુર્ખાઇ કરી ગયાં? ગાંધીજીના પુત્રો કેમ મહાન ન થયા? દેવદાસ તો સાવ હાથથી ગયા. ગાંધીજીએ પોતે તેમને કશી કેળવણી નહીં આપી હોય? જે મહાત્માએ દૂર રહીને લાખો લોકોનાં જીવન બદલી નાખ્યાં તેમની સાથે ઊછરનાર પુત્ર કેમ આડેપાટે ચડી ગયા?

જવાબ, આગળ કહ્યું તેમ, એક જ છે. બુદ્ધિ કોઇની મોહતાજ નથી. આ બુદ્ધિ શું છે? માત્ર શીખવાની શકિત બુદ્ધિ નથી. આલ્બર્ટ આઇનસ્ટાઇન ભણવામાં નબળા હતા છતાં તેઓ મહાન વિજ્ઞાની બની શકયા. પૃથ્વી પર બેઠાં બેઠાં તેમણે બ્રહ્માંડનો તાગ મેળવ્યો અને જે આજ સુધી અફર રહ્યું છે. તમે વૃક્ષો, છોડ, વેલા, ફૂલોને તો લગભગ રોજ જોતાં જ હશો. કોઇ દિવસ પ્રશ્ન થયો છે કે પાંદડાંનો રંગ લીલો જ કેમ હોય છે? ન્યુટનની પહેલાં કેટલા લોકોને પ્રશ્ન થયો તો કે ઝાડ પરથી સફરજન પૃથ્વી પર જ કેમ પડે છે? કયારેય પ્રશ્ન થયો છે કે હું કોણ છું અને આ પૃથ્વી ઉપર શા માટે આવ્યો છું?

આ પ્રશ્ન જેને થયો તે બધા મહાન ફિલસૂફ થયા છે. નરેન્દ્રને પ્રશ્ન થયો તો કે ભગવાન ખરેખર છે ખરો? અને, નરેન્દ્રનું જીવન બદલાઇ ગયું. વિવેકાનંદ બની ગયા. જેમને પ્રશ્ન થાય છે તેમનામાં કૂતુહલવૃત્તિ છે. તેની બુદ્ધિ વિકસે છે. બાળકોમાં સૌથી વધુ કૂતુહલ હોય છે. જે નવું જુએ તે અંગે પ્રશ્ન કરે. જેમ ઉમર વધતી જાય તેમ જ્ઞાનનો ભાર વધતો જાય અને કૂતુહલ ખતમ થતું જાય.

બુદ્ધિનો વિકાસ ઘટતો જાય. હવે મૂળ પ્રશ્ન પર આવીએ. કેળવણી-શિક્ષણ વગર કશું જ ન થઇ શકે? થઇ શકે. ઘણું થઇ શકે. બુદ્ધિના વિકાસમાં કેળવણી અમુક અંશે મદદ કરે છે ખરી. શિક્ષણનો સૌથી મોટો ફાયદો અક્ષરજ્ઞાનનો છે. અક્ષરજ્ઞાન વિશ્વભરનાં જ્ઞાન તરફની બારીઓ ખોલી નાખે છે. જગતઆખાનું જ્ઞાન મેળવવાનું સાધન મળી જાય છે પણ, દરેક ભણેલો માણસ દુનિયાભરનું જ્ઞાન મેળવવા માટે પુસ્તકો ફેંદી નાખતો નથી. આજનું શિક્ષણ કેળવણી કહી શકાય એવું નથી.

કેળવણી સવાôગી હોય. શિક્ષણ સવાôગી નથી. અહીં વિધાર્થીને કોણ પૂછે છે કે તને ગણિત ભણવામાં મજા આવે છે કે સંગીત શીખવામાં? તને રસાયણશાસ્ત્રમાં ફાવટ આવે છે કે જીવશાસ્ત્ર ગમે છે? તારી આંગળીઓ શિલ્પ ઘડી શકે તેમ છે કે એકાઉન્ટ્સનો ચોપડો ચિતરી શકે તેમ છે? બાળકની અનુકૂળતા, તેનો રસ, તેની પ્રતિભાને પારખીને તેને શિક્ષણ, આપનારા, અપાવનારા કેટલા? એક જ પ્રકારનો અભ્યાસક્રમ, એક જ પ્રકારની અભ્યાસ પદ્ધતિ તુંડે તુંડે મતિર્ભિન્ના ધરાવતાં બધાં જ બાળકો માટે રાખવામાં આવી હોય.

ઠોકી બેસાડવાની તેના માથે. અગાઉ ગુરુ દ્રોણનો દાખલો આપ્યો ત્યારે પૂછ્યું હતું ને કે નકુલ અને અર્જુન કેમ અલગ અલગ વિધામાં પારંગત થયા હતા? ગુરુ દ્રોણે દરેકની ક્ષમતા, રસ અને બુદ્ધિ મુજબની વિધાઓનું શિક્ષણ આપ્યું હતું. નકુલને તલવાર ચલાવતાં શીખવ્યું અને અર્જુનને ધનુર્વિધા. મોરનું ઇંડું મોરપિરછના મનોહર રંગો ધરાવતું હોય છે? ના, આછા રાખોડી રંગનું હોય છે.

તો તેમાંથી જે મોરલો નીકળે છે તે કેમ રંગબેરંગી હોય છે? બુદ્ધિનું પણ આવું જ છે. જો બુદ્ધિ હોય તો શિક્ષણ અને કેળવણી ઓછાં મળે તો પણ સફળ થઇ શકાય. પણ, જો કૂવામાં જ નહીં હોય તો હવાડામાં નહીં જ આવે. કેળવણી જરૂરી છે પણ બુદ્ધિ કોઇના બાપની નથી.



--
- Vijaykumar Dave

---------------------------------------------------------------------------------------------
My Gujarati Blog : http://gujaratikavitayen.blogspot.com
My Hindi Blog : http://vijaykumardave.blogspot.com/
My Group : http://groups.google.com/group/ignou-bca-mca/
GUJCET Group : http://groups.google.co.in/group/Guj-CET/
Medical Group : http://groups.google.co.in/group/medical-gujarat/
Engineering Group : http://groups.google.co.in/group/engineering-gujarat/
Reply all
Reply to author
Forward
0 new messages