જાપાનની મિઝુહો બેન્ક સાથેના સમજૂતિ કરારથી ગુજરાત અને જાપાન વચ્ચેના ઔઘોગિક સંબંધોનો નવો અધ્યાય શરૂ : ઉઘોગ રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલ
ગુજરાતમાં મૂડીરોકાણ કરવા જાપાનીઝ કંપનીઓ આતુર : ટાકેઓ કોડા-સીઇઓ મિઝુહો બેંક
ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માહિતીના આદાન-પ્રદાન માટે જાપાનની મિઝુહો બેંક અને ઇન્ડેક્ષ-બી વચ્ચે સમજૂતિ કરાર થયા
ગાંધીનગર, સોમવારઃ જાપાનીઝ કંપનીઓને મૂડીરોકાણ માટે પૂરતી જાણકારી પ્રાપ્ત થાય તે માટે જાપાનની મોટામાં મોટી ત્રણ બેંકો પૈકીની એક એવી મિઝુહો બેંક અને ગુજરાત સરકાર વતી ઇન્ડેક્ષ-બી વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટે સમજૂતિ કરારો કરવામાં આવ્યા છે. આ ધટનાને અતિ મહત્ત્વની ગણાવતા રાજ્યના ઉઘોગ રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, જપાનની મિઝુહો બેન્ક સાથેના રાજ્ય સરકારના સમજૂતિ કરારથી ગુજરાત અને જાપાન દેશ વચ્ચેના ઔઘોગિક સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે.
ગુજરાતમાં ઔઘોગિક ક્ષેત્રે પ્રવર્તતી નીતિઓને કારણ માત્ર દેશનું જ નહિં, વિશ્વનું ધ્યાન ગુજરાત રાજ્ય તરફ કેન્દ્રિત થયું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ માર્ગદર્શન હેઠળ અહીં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટ દ્વારા સમગ્ર વિશ્વને દર્શાવી આપ્યું છે કે, ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આસાન અને પરિણામલક્ષી મહત્ત્વનું પસંદગીનું ક્ષેત્ર છે. વિશ્વના અનેક દેશોની જેમ વિશ્વ અગ્રણી જાપાનની કંપનીઓ પણ ગુજરાતમાં મૂડીરોકાણ માટે આતુર છે.
મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, ચોથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈનવેસ્ટર્સ સમિટમાં સહભાગી બનીને જાપાને દેશભરમાં ગુજરાતને ઔઘોગિક રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું હતું. આજે આકાટા ઇન્ક અને હિટાચી જેવી અનેક કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે. હજુ અનેક જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં અને ખાસ કરીને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર કે જેનો ૪૦ ટકા જેટલો ભાગ ગુજરાતમાંથી પસાર થવાનો છે તે વિસ્તારમાં મૂડીરોકાણ માટે આતુર છે ત્યારે આવી કંપનીઓને પૂરતા માહિતી-માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકારે જાપાનની પ્રતિષ્ઠિત બેંક એવી મિઝુહો બેંક સાથે માહિતીના આદાન-પ્રદાન અંગે સમજૂતિ કરારો કર્યા છે.
જાપાનીઝ મિઝુહો બેંક લિ. વતી સમજૂતિ કરારો ઉપર હસ્તાક્ષર કરતા બેંકના ચીફ એકઝીકયુટીવ ઓફિસર ટાકેઓ કોડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સાથેના આ સમજૂતિ કરારથી માત્ર મિઝુહો બેંકને જ નહી અન્ય જાપાનીઝ કંપનીઓને મહત્ત્વનો ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે ઔઘોગિક વિકાસ ક્ષેત્રે ગુજરાત એક આગવું વિઝન છે અને અમે આ સ્વપ્નને સાકાર કરવા સહભાગી બનીશું. શ્રી કોડાએ રાજ્યનો ઔઘોગિક વિકાસ, ગુજરાત સરકારના હકારાત્મક અભિગમ અને પારદર્શી વહીવટની પ્રશંસા કરી હતી.
રાજ્ય સરકાર વતી ઇન્ડેક્ષ-બીના મેનેજીંગ ડિરેકટર શ્રી ભાગ્યેશ જ્હાએ આ સમજૂતિ કરાર ઉપર હસ્તાક્ષર કરી જણાવ્યું હતું કે, વિશ્વના દેશો મૂડીરોકાણ માટે ગુજરાતને પસંદ કરી રહ્યા છે ત્યારે આ સમજૂતિ કરારથી જાપાન દેશની અનેક કંપનીઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે નવું જ પ્લેટફોર્મ મળી રહેશે. જ્યારે ઉઘોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મહેશ્વર શાહુએ અને ઉઘોગ કમિશનર શ્રી સુજિત ગુલાટીએ ગુજરાતની હકારાત્મક ઔઘોગિક સંસ્કૃતિ, ગુજરાતની ઔઘોગિક શાંતિ અને રાજ્યમાં પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ વિશે વિશેષ માહિતી આપી ગુજરાતને ઔઘોગિક મૂડીરોકાણો માટે આદર્શ સ્થળ ગણાવ્યું હતું.
મિઝુહો બેંક જાપાનની મોટામાં મોટી ત્રણ બેંકો પૈકીની એક બેંક છે. એટલું જ નહીં વૈશ્વિક કક્ષાની નાણાકીય સંસ્થા છે. જાપાનની ૭૦ ટકા લિસ્ટેડ કંપનીઓ સાથે આ બેંકના વ્યાપારી સંબંધો વિસ્તરેલાં છે. એટલું જ નહીં ફોરર્ચ્યુન ૧૦૦૦ પૈકીની રપ૦ કંપનીઓ સાથે આ બેંક વ્યાપારી સંબંધોથી જોડાયેલી છે. ગુજરાત સરકારના ઇન્ડેક્ષ-બી સાથેના આ બેંકના સમજૂતિ કરારથી જાપાનીઝ કંપનીઓને મૂડીરોકાણ કરવા માટે માહિતીના આદાન-પ્રદાન દ્વારા વિશેષ પ્રોત્સાહન મળશે. આ સમજૂતિ કરાર સમયે મિઝુહો બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી તાકેશી મિયામોટો ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.